NOOTAN MEDICAL COLLEGE AND RESEARCH CENTRE & NOOTAN GENERAL HOSPITAL

નૂતન હોસ્પિટલ ખાતે ‘વિશ્વ સ્તનપાન સપ્તાહ’ની ભવ્ય ઉજવણી

નૂતન હોસ્પિટલ ખાતે 'વિશ્વ સ્તનપાન સપ્તાહ'ની ભવ્ય ઉજવણી

સાંકળચંદ પટેલ યુનિવર્સિટી સંલગ્ન નૂતન મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર, વિસનગર સંચાલિત નૂતન જનરલ હોસ્પિટલના પ્રસૂતિ અને ગાયનેકોલોજી વિભાગ દ્વારા તારીખ ૦૩ ઓગસ્ટ, ૨૦૨૬ (સોમવાર) ના રોજ 'વિશ્વ સ્તનપાન સપ્તાહ' (World Breastfeeding Week) ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે દર વર્ષે ઓગસ્ટ મહિનાના પ્રથમ સપ્તાહમાં (૧ થી ૭ ઓગસ્ટ) વિશ્વભરમાં સ્તનપાન અંગે જાગૃતિ ફેલાવવા માટે આ સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે.

ઉપસ્થિત મહાનુભાવો અને તબીબો

નૂતન હોસ્પિટલ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્તનપાન જાગૃતિ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નૂતન મેડિકલ કોલેજના મેડિકલ ડાયરેક્ટર ડૉ. હિમાંશુ જોશી, ડીન શ્રી ડૉ. વિજય બઘેલ, ડૉ. પારુલ શાહ, હોસ્પિટલના મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. સમીર દેસાઈ, ગાયનેક વિભાગના વડા (HOD) ડૉ. માધુરી અલવાની, ડૉ. પંકજ નિમ્બાલકર, ડૉ. હાર્દિક હળવદિયા તથા ડૉ. ભામિની કડીકર સહિત ગાયનેક વિભાગના તમામ ફેકલ્ટી સભ્યો, તબીબો તેમજ નર્સિંગ સ્ટાફે ઉત્સાહભેર હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

ધાત્રી માતાઓને માર્ગદર્શન અને સ્તનપાનનું મહત્ત્વ

આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત ધાત્રી (સ્તનપાન કરાવતી) માતાઓને સ્તનપાનથી થતા સ્વાસ્થ્ય લાભો, બાળકના સર્વાંગી શારીરિક- માનસિક વિકાસ અને રોગપ્રતિકારક શક્તિ (ઈમ્યુનિટી) માં થતા વધારા અંગે વિસ્તૃત વૈજ્ઞાનિક સમજણ આપવામાં આવી હતી. તબીબોએ ભારપૂર્વક જણાવ્યું હતું કે માતાનું દૂધ એ શિશુ માટે અમૂલ્ય વરદાન અને સર્વોત્તમ આહાર છે.

  • પ્રથમ કલાકનું સ્તનપાન (કોલોસ્ટ્રમ): નવજાત શિશુના જન્મના પ્રથમ કલાકમાં અપાતું માતાનું ઘાટું દૂધ (કોલોસ્ટ્રમ) એ પ્રકૃતિની પ્રથમ રસી સમાન છે, જે શિશુ માટે અત્યંત ફાયદાકારક છે.
  • ગેરમાન્યતાઓનું નિવાર : જૂની માન્યતાઓ દૂર કરી નવજાત શિશુને ગળથૂથી, મધ, ઘી, ખાંડનું પાણી કે અન્ય કોઈ પણ બાહ્ય પ્રવાહી ન પીવડાવવાની સ્પષ્ટ સલાહ આપવામાં આવી હતી.
  • યોગ્ય પદ્ધતિ અને પોષણ: પ્રસૂતા માતાઓને સાચી રીતે સ્તનપાન કરાવવાની પદ્ધતિ, સ્તનપાન દરમિયાન રાખવાની સાવચેતીઓ, માતાનું પૂરતું પોષણ અને સ્તનપાન અંગેની ગેરમાન્યતાઓનું નિવારણ કરવામાં આવ્યું હતું.

સ્તનપાન સપ્તાહના મુખ્ય જાગૃતિ સૂત્રો (Slogans)

  1. "માતાનું દૂધ, બાળકના મજબૂત ભવિષ્યની સર્વોત્તમ મૂડી."
  2. "પ્રથમ કલાકનું પીળું દૂધ (કોલોસ્ટ્રમ) – બાળક માટે પ્રકૃતિનું પ્રથમ સુરક્ષા કવચ."
  3. "સ્તનપાન છે બાળ-સ્વાસ્થ્યનો આધાર, માતાનું દૂધ છે ઉત્તમ આહાર."

સ્લોગન સ્પર્ધા અને વિજેતાઓ

કાર્યક્રમના ભાગરૂપે મેડિકલ સ્ટુડન્ટ્સ માટે વિશેષ સ્લોગન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉત્સાહભેર ભાગ લેનાર વિદ્યાર્થીઓમાંથી વિજેતા થયેલ વિદ્યાર્થીઓ તથા તેમના સ્લોગન નીચે મુજબ છે:

ક્રમ વિજેતા વિદ્યાર્થીનું નામ સ્લોગન
ડોડીયા રવી ભૂપતભાઈ માતાના ઉરમાં અમૃતધાર, બાળકના જીવનનો સાચો આધાર. પ્રથમ સ્પર્શ, પ્રથમ સ્મિત, પ્રથમ પ્રાણ, માતાનું દૂધ – કુદરતનું શ્રેષ્ઠ વરદાન.
સૂર્યરાજસિંહ ગોહિલ માતાના હૃદયનો તાર, સ્તનદૂધની અમૃતધાર.
હર્ષવર્ધન પટેલ કોલોસ્ટ્રમની દરેક બુંદ અમૂલ્ય, બાળકના સ્વાસ્થ્યનું રક્ષણ અમૂલ્ય!.

પી એમ જય (PMJAY) યોજના હેઠળ વિનામૂલ્યે સેવાઓ

નૂતન હોસ્પિટલ ખાતે સંસ્થાના પ્રેસિડેન્ટ શ્રી પ્રકાશભાઈ પટેલ અને ટ્રસ્ટીગણના માર્ગદર્શન હેઠળ સ્ત્રી આરોગ્યલક્ષી સિઝેરિયન કે નોર્મલ ડિલિવરી તેમજ ૨૮ દિવસ સુધીના નવજાત શિશુની સંપૂર્ણ સારવાર પી એમ જય (PMJAY) યોજના હેઠળ દવાઓ સહિત તદ્દન નિઃશુલ્ક (વિનામૂલ્યે) કરવામાં આવે છે.

ઇનર વ્હીલ ક્લબ અને સંસ્થા દ્વારા પ્રોત્સાહન

આ કાર્યક્રમમાં ઇનર વ્હીલ ક્લબ - વિસનગરના સેક્રેટરી કીર્તિબેન તથા પૂર્વ પ્રેસિડેન્ટ સ્વાતિબેન સહિત ક્લબની બહેનોએ વિશેષ ઉપસ્થિત રહી ધાત્રી માતાઓને સુંદર મોમેન્ટોનું વિતરણ કર્યું હતું. તદુપરાંત, સંસ્થાના પ્રેસિડેન્ટ શ્રી પ્રકાશભાઈ પટેલ અને ટ્રસ્ટીગણ વતી ઉપસ્થિત તમામ ધાત્રી માતાઓને પૌષ્ટિક આહારરૂપે ચણા, ગોળ, ખજૂર અને હેલ્ધી સ્નાક્સનું વિતરણ કરી માતા અને બાળકના ઉત્તમ સ્વાસ્થ્ય માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

Scroll to Top